પતંગિયું. (ગીત)
ભૂલથી મેં એક, પતંગિયું પકડ્યું,
કોપિત ચમન, આખેઆખું ગરજ્યું..!!
ઝાકળ ઘસી તેજ થૈ, તેગ શૂળની,
ભોંકાય ભીતર, મન મારું કણસ્યું.
અંતરા-૧.
સુવાસ રીસાઈ, કુમાશ ખીજાઈ,
પાંદડી સુકી તો,વળી પાછળ પડી,
ભરમાતાં, ડરતાં, રડતાંને સરતાં,
કુસુમ અશ્રુ જોઈ, ઉર મારું કણસ્યું.
ભૂલથી મેં એક,પતંગિયું પકડ્યું..!!
અંતરા-૨.
હચમચ્યાં મૂળને, ડાળીઓ તમતમે,
પંજા ફેલાવી થોર, મારવા ધસે,
ગર્જન પ્રચંડ,ધમધમાટ રોષ જોઈ,
ભય કેરું લખલખું, રોમ-રોમ ફરક્યું.
ભૂલથી મેં એક, પતંગિયું પકડ્યું..!!
અંતરા-૩.
ભમરાઓ ચટકે, રજપરાગ ચીખે,
સુણીને ઘોંઘાટ, સહુ મધમાંખ ધખે,
ચહુ કોર ઘેર્યો, ડંખ્યો મને દંડ્યો,
જાગી વેદના તૈં, મન મારું સમજ્યું,
ભૂલથી મેં એક, પતંગિયું પકડ્યું..!!
અંતરા-૪.
ભયભીત થૈ ને, પલ-પલ વિલયતું,
હારી - થાકી અંતે, શાંત થઈ જાતું,
છૂટવાને કાજે, તરફડતું, ફફડતું,
કકળાટ જોઈને, દિલ મારું કકળ્યું.
ભૂલથી મેં એક, પતંગિયું પકડ્યું..!!
© માર્કંડ દવે. તા.૧૭-૧૦-૨૦૧૧.
No comments:
Post a Comment